બાયપોલર મૂડ ડિસઓર્ડર (દ્રિધ્રુવી રોગ)

સામાન્ય રીતે લોકોના મૂડમાં મધ્યમ ચિંતા થી લઈને મધ્યમ ઉત્સાહ જેવા ફેરફાર જોવા મળે છે પરંતુ બાયપોલર મૂડ ડિસઓર્ડર થી પીડાતા દર્દીના મૂડમાં અતિશય પરિવર્તન આવે છે. અને તેના કારણે દર્દી વાસ્તવિકતા ની સમજ ખોઈ બેસવાના કારણે દર્દી ના કરવાના કામો કરી બેસે છે જેના પરિણામે દર્દીએ પોતે અને તેના આખા પરિવારને સહન કરવું પડે છે, આજ કારણસર આ બીમારીની તાત્કાલિક સારવાર કરવી અત્યંત અગત્યની થઇ પડે છે.

પુરુષોને સ્ત્રીઓની સરખામણી માં બાયપોલર મૂડ ડિસઓર્ડર થવાની શક્યતાઓ વધુ રહે છે. બાયપોલર મૂડ ડિસઓર્ડર કોઈપણ જાતિ,વર્ગ કે ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. બાયપોલર મૂડ ડિસઓર્ડર પીડિત વ્યક્તિના પરિવારમાં વારસાગત માનસિક બીમારી હોવી એ દર્દીની સારવારમાં એક અગત્યનું પાસું થઇ શકે છે.

બાયપોલર મૂડ ડિસઓર્ડરના દર્દીને આ બીમારીમાં અલગ અલગ પ્રકારના મૂડ સબંધિત એપિસોડ આવતા હોય છે, જેમકે ડિપ્રેશન, મેનિયા, હાઇપોમેનિયા, મિક્સ. દરેક દર્દીમાં આ એપિસોડ ની સંખ્યા અને તીવ્રતા અલગ અલગ હોય છે, અમુક દર્દી માં આ એપિસોડ નિયમિત ચક્ર ધરાવે છે,અમુક દર્દીઓમાં અમુક ઋતુ પ્રમાણે પણ એપિસોડ આવી શકે છે, અમુક એપિસોડમાં સેલ્ફ લીમીટીંગ એટલે કે જાતે જ સારા થઇ જતા હોય છે, પણ તે એપિસોડ દરમિયાન દર્દી અને તેના પરિવારજનોએ ઘણું નુકસાન ભોગવી લીધું હોય છે. એપિસોડ પૂરો થયા પછી દર્દી પોતાના કામકાજ, સામાજિક અને પરિવારની જવાબદારી પણ નિભાવી શકે છે.અમુક દર્દીઓમાં એપિસોડ પૂરો થઇ જાય છત્તા અમુક લક્ષણો રહી જાય છે જેને રેસીડયુઅલ લક્ષણો કહેવામાં આવે છે જેના કારણે દર્દીને એના રોજિંદા કામકાજમાં ઘણી તકલીફો પડે છે.

બાયપોલર મૂડ ડિસોર્ડરની ટ્રીટમેન્ટ લેવી ખુબ અગત્યની છે કારણકે આ પ્રકારના એપિસોડમાં દર્દી વાસ્તવિકતાનું ભાન ખોઈ બેસે છે, જેના કારણે તે એપિસોડ દરમિયાન દર્દી એવા નિર્ણયો પણ લઇ લે છે જેના પરિણામે દર્દી ની સાથે એના આખા પરિવારે સહન કરવું પડે છે, ઉપરાંત બે એપિસોડે ની વચ્ચે પણ રહેતા રેસીડયુઅલ લક્ષણો પણ દર્દીને હેરાન પરેશાન કરી દે છે.

બાયપોલર મૂડ ડિસઓર્ડર માં દર્દીનો હાલના એપિસોડ પહેલાનો ઇતિહાસ દર્દીની સારવાર પ્લાન કરવામાં ખુબ અગત્યનો થઇ શકે છે. બાયપોલર મૂડ ડિસઓર્ડરના દર્દીના પરિવારમાં કોઈને માનસિક બીમારી છે કે નહિ તે પણ સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે . બાયપોલર મૂડ ડિસઓર્ડર ના અલગ-અલગ પ્રકાર હોય છે જેમકે બાયપોલર-૧, બાયપોલર-૨ વગેરે ... જેના પ્રમાણે દર્દીની સારવાર નક્કી કરવામાં આવે છે.

  • બાયપોલર ડિપ્રેશનનો એપિસોડ

આ એપિસોડ માં દર્દીના મનમાં સતત ઉદાસી રહે, નિરાશા રહે, મનગમતી પ્રવૃત્તિઓમાં રસ ઉડી જાય કે મન ના લાગે, ઊંઘની તકલીફો જેમકે ઊંઘ મોડી આવવી, ઊંઘમાં ખલેલ પહોંચવી, તાજગીદાયક ગાઢ ઊંઘ ના આવવી, સામાન્ય કરતા બે -ત્રણ કલાક પેહલા ઊંઘ ઉડી જવી અથવા સામાન્ય કરતા વધારે ઊંઘ આવવી, ભૂખ અને વજનમાં અસામાન્ય ફેરફારો થવા જેમકે ભૂખ ના લાગવી, ખાવાની ઈચ્છા ના થવી, ડાયેટિંગ વગર વજનમાં ઘટાડો થવો અથવા ભૂખમાં અસામાન્ય વધારો થવો કે વજનમાં અસામાન્ય વધારો થવો, શારીરિક નબળાઈ, અશક્તિ લાગવી, જલ્દી થાકી જવું, કામકાજમાં મન ના લાગવું, એકાગ્રતા નો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ પડવી, યાદશક્તિમાં તકલીફ થવી, બોલવું ચાલવું વિચારવું ધીમું પડી જવું કે ઝડપી બની જવું. આત્મહત્યાના વિચારો આવવા, પ્લાન ઘડવા કે કોશિશ કરવી. હું કશા કામનો નથી, નકામો છું, મારા કુટુંબ પર બોજારૂપ થઇ ગયો છું એવા લઘુતાગ્રંથિ ના સતત વિચારો આવા લક્ષણો મુખ્યત્વે જોવા મળે છે.

આ પ્રકારના લક્ષણો માંથી અમુક લક્ષણો સતત ૧૫ દિવસ સુધી લગભગ ચોવીસ કલાક જોવા મળે અને એના કારણે વ્યક્તિના કામકાજ, સામાજિક સબંધો, શારીરિક અને દૈનિક જીવન પર એની અસર જોવા મળે તો તેને બાયપોલર ડિપ્રેશન નો એપિસોડ કહી શકાય.

બાયપોલર ડિપ્રેશન માં દર્દીને પોતાના નિત્યકર્મ, રોજિંદા કામકાજ અને ધંધાકીય કામકાજો પણ પહાડ જેવા બોજારૂપ લાગે છે બાયપોલર ડિપ્રેશન માં દર્દીમાં આત્મહત્યા કરવાનું જોખમ પણ રહે છે.

બાયપોલર મૂડ ડિસઓર્ડર એ મેજર ડિપ્રેશન થી અલગ છે, મેજર ડિપ્રેશન માં દર્દી કે વ્યક્તિ માં માત્ર ડિપ્રેસિવ મૂડ જ જોવા મળે છે અને તેને એન્ટીડિપ્રેસિવ ડ્રગ આપવામાં આવે છે, જયારે બાયપોલર મૂડ ડિસઓર્ડર માં મેનિક અને ડિપ્રેસિવ મૂડ ના સ્વિંગ્સ જોવા મળે છે. અને આવા દર્દીઓ ને મૂડ સ્ટેબિલાઇઝર ડ્રગ આપવામાં આવે છે.

બાયપોલર મૂડ ડિસઓર્ડર ના મેનિક એપિસોડ ની ચર્ચા આપડે પાર્ટ-૨ માં કરીશુ.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS