આત્મહત્યા અંગેની ગેરમાન્યતાઓ અને હકીકતો

આપણા સમાજમાં આત્મહત્યા અંગે અનેક ભ્રમ અને ગેરમાન્યતાઓ જોવા મળે છે. આને કારણે જે તે બાળક, યુવાન વ્યક્તિની સાથે માતા-પિતા, શિક્ષકો, મિત્રોનું વર્તન અયોગ્ય બને છે, તેમજ તે આત્મહત્યાના બનાવોને અટકાવી શકાતા નથી. આવી કેટલીક ગેરમાન્યતાઓ અને હકીકતો અંગે ચર્ચા કરીએ.

  • માન્યતા: કોઈપણ વ્યક્તિએ બાળક /યુવાન સાથે આત્મહત્યાની વાત કરવી જ ના જોઈએ, નહીંતર એના મનમાં આત્મહત્યાનો વિચાર ના આવતો હોય તો પણ શરુ થઇ જાય છે.
    હકીકત: આત્મહત્યા અંગે વિચાર કે પ્રયાસ કરનાર જે તે બાળક/ યુવાન, વ્યક્તિ સાથે આત્મહત્યા અંગે વાત થવી જ જોઈએ, તેનાથી તેની લાગણીને વાચા મળે, મન હળવું થાય, હૂંફ-સપોર્ટ આપી શકાય, મુશ્કેલી માંથી બહાર આવવાના વૈકલ્પિક રસ્તાઓ શોધી શકાય તેમજ માનસિક સમસ્યા અંગે સારવાર આપી શકાય તેમજ ક્ષણિક આવેગ, ધમકી, અખતરા થી થતા આત્મહત્યાના બનાવોને રોકી શકાય .
  • માન્યતા: મારા કુટુંબ કે મારી નજીકની વ્યક્તિ ક્યારેય આત્મહત્યા ના કરે, આવો બનાવ મારા ઘર માં ક્યારેય ના થાય .
    હકીકત: આત્મહત્યાના વિચારો કોઈપણ વ્યક્તિમાં કોઈપણ ઉંમરે આવી શકે, કોઈપણ સામાજિક, આર્થિક પરિસ્થિતિ કે ધર્મ-જાતિમાં જોવા મળી શકે. સ્ત્રીઓમાં આત્મહત્યાના પ્રયાસો નું પ્રમાણ પુરુષો કરતા ચાર ગણું વધુ જોવા મળે છે, આત્મહત્યા કરતા પુરુષો વધુ પ્રમાણમાં મરણ પામે છે.
  • માન્યતા: માત્ર ગંભીર માનસિક રોગ ધરાવતી વ્યક્તિ જ આત્મહત્યા કરે છે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર નબળા મન ના લોકો હોય છે.
    હકીકત: હા, ઘણીવાર આત્મહત્યાઓ માનસિક બીમારીઓના પરિણામરૂપ હોય છે. પરંતુ કેટલાક બનાવોમાં ક્ષણિક આવેગ, ધમકી કે અખતરા સ્વરૂપના પ્રયત્નો અજાણતામાં સાચા પડી જાય છે. સામાજિક, આર્થિક, અંગત સંબંધોમાં આવેલા ગંભીર પ્રશ્નો, શારીરિક, માનસિક કે જાતિય શોષણના બનાવો માંથી કોઈ રસ્તો ના સુઝવાને કારણે પણ અનેક લોકોમાં આત્મહત્યા થતી હોય છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ પાગલ નથી હોતી તેમજ નબળા મન ની ના કહી શકાય. હા, જે-તે પરિસ્થિતિ ને હેન્ડલ કરવાની "Coping Skills" તેમનામાં ઓછી હોઈ શકે છે.
  • માન્યતા: આત્મહત્યા કરવી હોય તો તે વ્યક્તિ ક્યારેય કોઈ ચેતવણી સમાન કોઈ વાતો કે વર્તન કરે નહીં. કોઈ warning signs આપે જ નહીં .
    હકીકત: આત્મહત્યાના પ્રયાસ નું પ્લાનીંગ કરનાર બાળક, યુવાન, વ્યક્તિ ના વર્તન કે વાતો કંઈક સંકેત આપે છે, જે આત્મહત્યાના વિચારો કે પ્રયાસના પ્લાનીંગનું સૂચન કરે છે. આપણને તે સંકેતો ઓળખતા આવડવા જરૂરી છે. તે અંગે જાગૃત રેહવું જરૂરી છે.
  • માન્યતા: આત્મહત્યા માટે પ્રયાસ કરનાર વ્યક્તિને કોઈની મદદ જોઈતી જ નથી.
    હકીકત: આત્મહત્યા વિશે વાત કે પ્રયાસ કરનાર વ્યક્તિને ખરેખર હૂંફ કે મદદ જોઈતા જ હોય છે. આત્મહત્યા અંગેની વાતો એ જ "એમને મદદ જોઈએ છે." એ માટેનો જ સંદેશો છે.
  • માન્યતા: જેના કુટુંબમાં કોઈએ આત્મહત્યા કરી હોય તે કુટુંબના અન્ય સભ્યો આત્મહત્યા નથી કરતા કારણ કે, તેમણે તેના ખરાબ પરિણામો અનુભવ્યા હોય છે.
    હકીકત: આત્મહત્યાનો બનાવ બન્યો હોય તેવા કુટુંબની અન્ય વ્યક્તિમાં પણ આત્મહત્યાનો ડર રહેતો હોય છે, કારણ કે ડિપ્રેશન અને આત્મહત્યા જેવી પરિસ્થિતિઓ માં આનુવંશિકતા પણ થોડો ઘણો ભાગ ભજવે છે.
  • માન્યતા: આત્મહત્યાના વિચારો વ્યક્ત કરનાર વ્યક્તિને મરી જ જવું હોય છે.
    હકીકત: ના, આત્મહત્યાના વિચારો વ્યક્ત કરનાર કે પ્રયાસ કરનાર વ્યક્તિ જે તે સામાજિક-આર્થિક કે ઘવાયેલી લાગણીની પરિસ્થિતિમાં હેરાન થઇ રહી હોય છે. તે પરિસ્થિતિ માંથી તેને બહાર આવવું હોય છે તેમને આટલી મુશ્કેલી થી ભરેલી જિંદગી નથી જોઈતી, પરંતુ કંઈક વધારે સારી જિંદગીની આશા હોય છે, મૃત્યુ ની નહીં. પોતે કરેલા ઘણા પ્રયત્નો નિષ્ફળ જાય અને મન થી તૂટયા બાદ આત્મહત્યા થતી હોય છે.
  • માન્યતા: માતાપિતા નું વલણ બાળકોની આત્મહત્યા માટે જવાબદાર હોય છે.
    હકીકત: માતા-પિતા માનસિક બીમારીના નિદાન છત્તાં સારવાર ના લે, બાળક સાથેનો વ્યવહાર ના જ બદલે તો તે તેમની બેદરકારી ગણી શકાય, પરંતુ આત્મહત્યા માટે હંમેશા તેઓ જ જવાબદાર છે તેમ વાંક કાઢવો યોગ્ય નથી.
  • માન્યતા: એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ બીજીવાર ક્યારેય એવો પ્રયત્ન ફરી ના કરે, કારણકે તે ડરી જાય છે અને એને જિંદગીનો પાઠ ભણવા મળ્યો હોય છે.
    હકીકત: આત્મહત્યાનો એકવાર પ્રયત્ન કરનાર વ્યક્તિમાં બીજીવાર તેવો પ્રયત્ન કરવાની શક્યતા આઠ ગણી વધારે હોય છે તે વધારે સઘન આયોજન કરી બીજો પ્રયાસ કરે છે તેથી સચેત રહેવું જરૂરી હોય છે. મૃત્યુ થવાની સૌથી વધુ શક્યતા અગાઉ પ્રયાસ કરનારમાં જોવા મળે છે.
  • માન્યતા: અમુક વ્યક્તિઓ પોતાના તરફ ધ્યાન ખેંચવા, સહાનુભૂતિ મેળવવા આત્મહત્યાના પ્રયત્નો કરે છે.
    હકીકત: આ બાબત હંમેશા સાચી નથી હોતી, આ પ્રકારનું વર્તન કરનાર વ્યક્તિ મનોવિજ્ઞાન ની દ્રષ્ટિએ તદ્દન નોર્મલ તો નથી જ હોતી. તેમણે પોતાની જાતને કરેલી ઇજા પ્રમાણમાં નજીવી હોય છે. છતાં સાવધ રહેવું જરૂરી છે કારણકે આવા પ્રયત્નો પણ જોખમી નીવડી શકે છે.
  • માન્યતા: વ્યસનો અને આત્મહત્યાને કોઈ સબંધ નથી.
    હકીકત: આ ખોટી માન્યતા છે કારણકે ઘણા આત્મહત્યાના બનાવો દારૂ કે અન્ય નશાકારક પદાર્થોની અસર હેઠળ થાય છે. વળી આ પ્રકારના વ્યસનનો શિકાર બનેલી વ્યક્તિઓને અન્ય ગંભીર માનસિક રોગો હોવાની પણ શક્યતા રહેલી હોય છે.
  • માન્યતા: આત્મહત્યા ગરીબ વર્ગમાં જ વધારે થાય છે.
    હકીકત: આત્મહત્યાના બનાવ કોઈપણ વર્ગમાં થઇ શકે છે.
  • માન્યતા: આસપાસનું વાતાવરણ ગમે તેટલું સલામત કરો તો પણ આત્મહત્યા રોકી ના શકો.
    હકીકત: આ ખુબ ખોટી માન્યતા છે. દવાઓ, જંતુનાશક દ્રવ્યો, એસિડ, હથિયાર વગેરે સહેલાઈથી મળવાને કારણે આત્મહત્યાના વિચારનો અમલ કરવામાં સરળતા થઇ જાય છે. ખાસ તો જે તે વસ્તુ મેળવતા કે જે તે સ્થળ પર જતા સમય લાગે તો આત્મહત્યાનો ક્ષણિક આવેગ શમી જાય છે. તેથી વાતાવરણ સલામત કરવા અને તે માટે યોગ્ય કાયદાકીય પગલાં જરૂરી જ છે, જે આત્મહત્યાના બનાવને ઘટાડી શકે દા.ત- કોઈપણ પ્રકારની દવા પ્રિસ્ક્રિપ્શન વગર ના મળે, જોખમી જગ્યા પર રેલીંગ, જોખમી વસ્તુઓ ઘરમાં રાખવી નહીં અથવા સલામત સ્થળે લોક માં રાખવી વગેરે પગલાં ઉપયોગી નીવડી શકે.
  • માન્યતા: આત્મહત્યાનો ઓછો ગંભીર કે નાનો પ્રયાસ થયો હોય તો તેની ઘરે કે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવવી કે તે વિશે કોઈને જણાવવું જોઈએ નહીં કે આગળ કોઈ પગલાં લેવા જરૂરી નથી.
    હકીકત: આત્મહત્યાના નાનકડા પ્રયત્નોને પણ ગંભીરતાથી લેવો જોઈએ, તેની સારવાર ઘરે ક્યારેય ના કરવી, માનસિક રોગના નિષ્ણાતોની સારવાર જરૂર લેવી જોઈએ અને જૂની તેમજ બધી નાની-મોટી વિગતો જણાવવી જોઈએ.
  • માન્યતા: જયારે પીડિત વ્યક્તિ આત્મહત્યા વિશે વાતો કરતી બંધ થાય ત્યારે તેને આત્મહત્યાના વિચારો આવતા બંધ થઇ ગયા હોય છે.
    હકીકત: આત્મહત્યાના વિચારો, પ્રયાસ કરનાર વ્યક્તિમાં યોગ્ય સારવાર કે કાઉન્સેલિંગ તેમજ રોજબરોજ નાં જીવનમાં ફેરફારો બાદ તેની નકારાત્મક વિચારસરણી બદલાઈ શકે છે અને તે સ્વસ્થ થઇ શકે છે, પરંતુ તે સારવાર દરમ્યાન પણ સંપૂર્ણ દેખરેખ હેઠળ રહે તે જરૂરી છે.

આત્મહત્યા વિશે પ્રવર્તેલી માન્યતાઓ અને તે પાછળની હકીકતો ને સમજી ને તે અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કરી શકાય છે.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS