નારસીસીઝમ

સ્વ-પ્રેમ (SELF-LOVE) એ માનવજીવનનું બળ છે. પોતાની જાતની સંભાળ રાખવી કે પોતાની જાતને ચાહવી એ માણસની જન્મજાત પ્રેરણા છે. મનોવૈજ્ઞાનિકો પણ માને છે કે સ્વ-પ્રેમ એ માનવજીવનના વિકાસ માટે જરૂરી છે. ડૉ સિગ્મંડ ફ્રોઇડ જાતની સંભાળ રાખવાની અને ચાહવાની વૃતિને સ્વ-પ્રેમ તરીકે ઓળખાવે છે તેને આત્મરતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં નારસીસ નામનો કુંવર પાણીમાં પોતાના સુંદર મુખને જોઈ તેના પ્રેમમાં પડયો. પોતાના પ્રતિબિમ્બ સાથે વાત કરી અને કોઈપણ જાતની તૃપ્તિ અનુભવ્યા વગર જીવનભર તરસતો રહ્યો અને છેલ્લે મરણ પામ્યો. ડૉ સિગ્મંડ ફ્રોઇડે આ કથાનો ઉપયોગ આત્મરતિની પ્રેરણા સમજાવવા માટે કર્યો છે જેને નારસીસીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

નારસીસીઝમમાં વ્યક્તિનો અહમ આંતરમનમાં ઉતરે છે. અને બહારની દુનિયા સાથેનો એનો સંપર્ક અને સંવાદ થંભી જાય છે. પોતાના શરીર ને તેઓ અતિશય પ્રેમ કરતા હોય છે. તેમને પોતાના વિષે ના ઊંચા ખ્યાલો માં મનોમન રાચવું ખુબજ પ્રિય હોય છે. પોતે સામાન્ય લોકો થી જુદા છે અને પોતાનામાં કઈક વિશિષ્ટ અને અસાધારણ કુશળતાઓ છે એવી માન્યતા ધરાવતા હોય છે. તેઓ ખુબ જ સ્વકેન્દ્રીત હોય છે. નારસીસવાદનો ભોગ બનેલા લોકો અભીમાની હોય છે. તેઓ સામાજિક વર્તનના ધોરણ પ્રત્યે બેદરકાર હોય છે. પોતાની જે કોઈ મહેચ્છાઓ હોય એ કોઈ પણ હિસાબે અને ગમે તેના ભોગે પૂર્ણ થવી જોઈએ એવું એમનું દ્રઢ મંતવ્ય હોય છે. આવા લોકો બીજા નું શોષણ તો કરતા જ હોય છે સાથે સાથે તેમને એવું કરવાનો હક્ક છે એવું પણ માનતા હોય છે. તેમની ઈચ્છાઓ બીજા કરતા વધુ તીવ્ર હોય છે. પોતાનામાં જન્મથીજ એવી કોઈક વિશિષ્ટતાઓ છે અને તેઓ V.I.P. છે એવું ભ્રમ તેઓ ધરાવતા હોય છે.

મનોવૈજ્ઞાનિકો માને છે કે આવા લોકો માત્ર પોતાને માટેજ જીવતા અહંકેન્દ્રિત હોય છે. ભવિષ્ય વિષે કે જીવન ના અર્થ વિષે વિચારવાનું તેમને ગમતું નથી. વર્તમાન ની ક્ષણ જ એમને માટે મહત્વ ધરાવે છે. એમની નજર માં બીજાઓ તુચ્છ છે અને એમને જીવવાનો પણ અધિકાર નથી તેઓ એવી ભ્રમિત માન્યતામાં રાચતા હોય છે. સ્વપ્રેમીઓ માં સ્ત્રીઓ કરતા પુરુષો નું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્વપ્રેમી લોકો અસ્તિત્વની સંસ્કૃતિમાં એટલે કોઈપણ ભોગે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ ધરાવે છે. તેને લીધે તેઓ ભૂતકાળ તરફ ઉદાસીન,, ભવિષ્ય તરફ વિરક્ત અને વર્તમાન ની પળો માં મગ્ન હોય છે. પોતાનાથી જુદા અભિપ્રાય ધરાવનાર લોકો પ્રત્યે ઓછા સહનશીલ હોય છે . તેઓ ખુશામતિયાઓથી ઘેરાયેલા હોય છે. તેઓ અન્ય પ્રત્યે શંકાશીલ અને પોતાના જેવું સર્વગુણનસંપન્ન, પ્રતિભાશાળી કે દેખાવડુ કોઈ નથી એવા ભ્રમમાં રાચે છે. તેમને આવા ભ્રમમાં રાચવું ગમે છે. સ્વપ્રેમી વ્યક્તિ અંદરથી ખાલીપો અનુભવે છે.

અતિશય સ્વપ્રેમ એ માનસિક વિકૃતિ તરફ લઇ જનારી બાબત છે. તેઓ પોતાના મિથ્યાભિમાન ને લીધે મનોપચારક ની સલાહ લેવા તૈયાર થતા નથી. ચિકિત્સકો ને તેમને વાસ્તવિક દુનિયા માં પાછા લાવવા ખુબ મેહનત કરવી પડે છે. આવા સ્વપ્રેમી લોકો એ ખુશામતિયાઓ થી પોતાની જાત ને બચાવી જોઈએ. ગ્રુપ થેરાપી દ્વારા તેઓને વાસ્તવિક દુનિયા માં લાવી શકાય છે. તેમાં બધા સમદુખીયા સાથે હોય છે, ઊંચ નીચ નો ભેદ હોતો નથી. સામાજિક વાસ્તવિકતા વિષે ની સભાનતા સારી રીતે કેળવી શકાય છે અને તેમને તેમની ભ્રમણામાંથી મુક્ત કરી શકાય છે.

સ્વપ્રેમ યોગ્ય માત્રા માં હોય એ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તો ચાલો આપણે પણ આપણી જાત ને એટલો પ્રેમ ન કરીએ જેને લીધે આપણને અને બીજા વ્યક્તિઓ ને પણ મુશ્કેલીઓ નો ભોગ બનવું પડે.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS