દરેક માનસિક બીમારી એ બાયોલોજીકલ, સાયકોલોજીકલ અને સોશિયલ એમ ત્રણ પરિબળોને કારણે થતી હોય છે, તેના કારણે દરેક માનસિક બીમારીની ટ્રીટમેન્ટ માં આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
અહીંયા આપણે માનસિક રોગોની સારવારમાં દવાઓ કેવી રીતે ભાગ ભજવે છે તે અંગે ચર્ચા કરીએ.
માનસિક રીતે બીમાર દરેક દર્દી એ અલગ હોય છે ,તેની જરૂરિયાત પણ અલગ હોય છે, એની ઉમર, જાતિ, વજન, દર્દીની બીમારીની હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, વ્યસન, શારીરિક બીમારી, અગાઉ લીધેલી ટ્રીટમેન્ટ ની અમુક સાઈડ ઈફેક્ટસ વગેરે અંગે અભ્યાસ કરી ને દર્દીની સારવાર અંગે પ્લાન કરવામાં આવે છે.
માનસિક રોગોની સારવારમાં વિવિધ પ્રકારની માનસિક દવાઓ અગત્યનો ભાગ ભજવે છે. અમુક માનસિક બીમારીઓમાં દવાઓ એ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. માનસિક બીમારી ની દરેક દવાઓ એટલે ઊંઘની દવાઓ આ માન્યતા એકદમ ખોટી છે. હકીકત એ છે કે અમુક માનસિક બીમારીની દવાઓ ની સાઈડ ઈફેક્ટસમાં થોડું ઘેન હોય છે, પણ તે અંગે સાઈક્રિયાટ્રીસ્ટ સાથે ચર્ચા કરી શકાય છે.
દરેક માનસિક બીમારીઓ માટે અલગ અલગ પ્રકારની દવાઓ હોય છે, જેમાં એન્ટીડીપ્રેશન્ટ, એન્ટીસાઈકોટીક, એન્ટીએન્ઝાયટી, મૂડસ્ટેબીલાયઝર, કોગનીટીવ એન્હાન્સર, હિપ્નોટીક વગેરે જેવી દવાઓનો સમાવેશ થાય છે. આ દરેક દવા મગજના અલગ અલગ ભાગ ના અલગ અલગ પ્રકારનાં રસાયણો પાર કામ કરે છે, જેના કારણે દર્દીની પરિસ્થિતિ માં સુધારો જોવા મળે છે, જેમકે શરીરમાં થાયરોઈડ ગ્રંથી બરાબર કામ ના કરે તો આપણે એ થાયરોઈડ હોર્મોન દવા ના રૂપમાં આપીએ છીએ, તે પ્રમાણે મગજમાં અમુક રસાયણો ની ઉણપના કારણે થયેલી માનસિક બીમારી માટે આપણે બહાર થી એવી દવા આપીએ છીએ કે જે એ રસાયણની ઉણપ પુરી કરે અને તેને બેલેન્સ કરે.
દરેક માનસિક બીમારીઓની દવાઓ "સ્ટાર્ટ લો એન્ડ ગો સ્લો" નિયમ ને અનુસરે છે, મતલબ કે દરેક દવા ને ઓછા ડોઝ થી શરુ કરવામાં આવે અને સમય જતા દર્દીને એ દવા માફક આવે છે કે નહીં અથવા તેની કોઈ સાઈડ ઈફેક્ટસ આવે છે કે નહીં તે જોઈને દવાનો ડોઝ ધીમે ધીમે વધારવામાં આવે છે. માનસિક બીમારીની દવાઓની અસર આવતા ઓછા માં ઓછા ૪ થી ૬ અઠવાડિયાનો સમય લાગે છે. અમુક પ્રકારની બીમારી (O.C.D, ડિમેન્શિયા) જેવી બીમારીમાં અમુક પ્રકારની દવાઓની અસર આવતા ૩ મહિના કરતા વધારે સમય પણ લાગી શકે છે.
અમુક માનસિક બીમારીઓની દવાની ઈફેક્ટસ આવતા પહેલા સાઈડ ઈફેક્ટસ પણ આવી શકે છે, જેમાંથી મોટાભાગની સાઈડ ઈફેક્ટસ સમય જતા આપમેળે સારી થઇ જતી હોય છે, આ માટે તમારા સાઈક્રિયાટ્રીસ્ટ સાથે ખુલ્લા મને વાત કરવાથી માહિતી મળી શકે છે. માનસિક બીમારીઓની ટ્રીટમેન્ટ દરમિયાન અમુક લક્ષણો ઝડપથી સારા થાય છે અને અમુક લક્ષણોમાં સુધારો આવતા વધારે સમય લાગે છે. દરેક માનસિક બીમારીની સારવાર અમુક મહિનાઓ અને અમુક વર્ષોથી લઈને આજીવન ચાલી શકે છે.
જેવી રીતે અમુક શારીરિક બીમારીઓ જેવીકે બ્લડપ્રેશરની બીમારી, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ ની બીમારી, થાયરોઈડની બીમારી વગેરે બીમારીને માત્ર અને માત્ર કાબુ જ કરી શકાય છે, તે જડમુળ થી સારી કરી શકાતી નથી, તેજ પ્રમાણે અમુક બીમારીઓ જેવી કે સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શિયા, અમુક લાંબાગાળાના O.C.D, ડિપ્રેશન, બાયપોલર મૂડ ડીસઓર્ડર ને આપણે જડમૂળથી સારી કરી શકતા નથી, આથી એમની દવા આજીવન ચાલુ રહે છે.
Medicines ના પ્રકાર
આ ઉપરાંત વ્યસન છોડવા માટેની, સેક્સ સબંધી સમસ્યાઓને લગતી તેમજ માથાના દુખાવા માટેની દવાઓ પણ ઉપલબ્ધ છે.
એ નોંધવું અગત્યનું છે કે માનસિક દવાઓ અત્યંત અસરકારક છે, ત્યારે તે આડઅસર વિનાની નથી, તેથી દવાઓ એ હંમેશા યોગ્ય રીતે સાઈક્રિયાટ્રીસ્ટ ની દેખરેખ અને સૂચન મુજબ લેવી જરૂરી છે. દવાનો ઉપયોગ સામાન્ય રીતે વ્યાપક સારવારના અભિગમ ના ભાગરૂપે થવો જોઈએ જેમાં મનોરોગ ચિકિત્સા, જીવનશૈલીમાં ફેરફાર અને અન્ય હસ્તક્ષેપ નો પણ સમાવેશ થઇ શકે છે.
આમ, માનસિક રોગોની સારવારમાં જુદાજુદા પ્રકારની દવાઓની ભૂમિકા ઘણી અગત્યની છે.
માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વના બધાજ પાસાઓનું સંતોલન (બેલેન્સ) વ્યક્તિ યોગ્ય રીતે કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય નો એક અર્થ એ પણ ગણી શકાય કે વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં ભાવનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને આદર્શો માં સંતુલન કરવાની યોગ્યતા ધરાવે છે, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ જીવનની વાસ્તવિકતાઓ અને તેમનો સામનો કરવાનો અને તેનો સ્વીકાર કરવાની યોગ્યતા ધરાવે છે.
અહીંયા આપણે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો વિશે ચર્ચા કરીએ.
1. આત્મમૂલ્યાંકન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું આત્મમૂલ્યાંકન કરી શકે છે. તે પોતાના
વિષયમાં પુરી રીતે જાગૃત હોય છે,તેને પોતાના દોષો અને ગુણો વિશે પૂરતો
ખ્યાલ હોય છે અને તે અંગે તે મૂલ્યાંકન પણ કરતો હોય છે. મૂલ્યાંકન કરવાના
લીધે વ્યક્તિને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન હોય છે તેથી તે પોતાની
યોગ્યતાને યોગ્ય રીતે દિશા આપી શકે છે .
2. સમાયોજનશીલતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ કોઈપણ પરિસ્થિતિ સાથે યોગ્ય રીતે સમાયોજન
સાધી શકે છે. આવી વ્યક્તિ એ જીવનની કઠીન પરિસ્થિતિઓથી નાસીપાસ થવાને
બદલે એ પરિસ્થિતીઓનો સામનો કરવાનું કે તેની સાથે સમાધાન કરવાનું શીખે છે
અથવા તો તે પરિસ્થિતિ ના અનુસાર પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે.
3. બૌદ્ધિક અને આવેગિક પરિપક્વતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ બોધાત્મક અને આવેગાત્મક રીતે પરિપક્વ હોય છે, બૌદ્ધિક
અને આવેગિક રીતે પરિપક્વ વ્યક્તિ પોતાનો બૌદ્ધિક વિકાસ કરે છે અને તેના આવેગો
ઉપર નિયંત્રણ રાખી શકે છે.
4. જીવનની નિયમિતતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ તેના જીવનના બધા કાર્યોમાં નિયમિતતા દાખવે છે,
તેના જીવનમાં આવતા બધા નાના -મોટા કાર્યોએ નિયમિતતા દાખવીને કરે છે અને તે
નિયમોનું તે કઠોરતાપૂર્વક નિયમિતપણે પાલન કરે છે.
5. વ્યવસાયિક સંતુષ્ટતા:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તેના વ્યવસાયથી હંમેશા સંતુષ્ટ રહે છે. તે તેના કાર્યને
પુરતું મન લગાવીને કરે છે અને પોતાની કાર્યક્ષમતા ને દિન પ્રતિદિન વધારીને સફળતા
પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો રહે છે.
6. યથાર્થવાદી દ્રષ્ટિકોણ:
માનિસક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાના જીવન પ્રત્યે યથાર્થવાદી દ્રષ્ટિકોણ અપનાવતો હોય
છે. આવી વ્યક્તિએ વાસ્તવિકતામાં જીવતો હોય છે તે કોરા સપનાઓ કે કલ્પનાઓમાં
રાચતો નથી. તેની મહત્વાકાંક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે કોઈ વિરોધાભાસ જોવા મળતો
નથી, તે પોતાની ક્ષમતાઓને સમજીને તેના અનુરૂપ કાર્ય કરતો હોય છે.
7. સામાજિક સમાયોજન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિએ સામાજિક રીતે સમાયોજિત હોય છે. આવી વ્યક્તિ
સમાજમાં વ્યક્તિઓના એકરૂપમાં પોતાનું મૂલ્યાંકન કરતો હોય છે, અને સમાજના જુદાજુદા
વ્યક્તિઓ સાથે સમાયોજન સ્થાપિત કરે છે. સમાજના મોટાભાગના લોકો સાથે તેમના
મિત્રતાપૂર્ણ સબંધો હોય છે.
8. લક્ષ્યો અંગે જ્ઞાન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને પોતાના જીવનના વિભિન્ન લક્ષ્યો અંગે પૂર્ણ જ્ઞાન હોય છે, અને
એ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તે તેની યોગ્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરતો હોય છે,
જેના કારણે તે સફળતાને પ્રાપ્ત કરે છે, અને તે સુખી અને સંતુષ્ટ જીવન જીવી શકે છે.
9. આત્મવિશ્વાસ:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિએ આત્મવિશ્વાસ થી સભર હોય છે. વધુ પડતો આત્મવિશ્વાસ કે
બહુ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો નથી તે પોતાના આત્મવિશ્વાસ અંગે સ્થિર હોય છે.
10. વ્યક્તિત્વ સંતુલન:
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ એ પોતાના વ્યક્તિત્વના જુદાજુદા પાસાઓ વચ્ચે સંતુલન
કરવાની યોગ્યતા ધરાવતો હોય છે.
અહીંયા આપણે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો અંગે ચર્ચા કરી આવા સ્વસ્થ લક્ષણોનો વિકાસ કરીને આપણે માનસિક રીતે સ્વસ્થ બનીએ અને સ્વસ્થ જગતનું નિર્માણ કરીએ.
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS