સેલ્ફી એડિકશન

આજના આ ડિજિટલ યુગમાં સેલ્ફી લેવી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવી એ બહુ જ સામાન્ય બાબત બની ગઈ છે. સેલ્ફી લેવી એ પોતાની આનંદદાયક પળોને કેદ કરવાની અને પોતાની ખુશીને વ્યક્ત કરવાનું બહુ સારું માધ્યમ છે. ત્યારે સેલ્ફી લેવાની વધુ પડી આદત એ વ્યક્તિમાં નકારાત્મક માનસિક અને સામાજિક પરિણામો જન્માવે છે.

સેલ્ફી એડિકશન શું છે ?

સેલ્ફી એડિકશન એવી આદતને કહી શકાય કે જેમાં વ્યક્તિ સતત સેલ્ફી લેવાની અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની તીવ્ર ઈચ્છા અનુભવે છે. ખાસ કરીને અન્ય લોકો પાસેથી વધુ લાઇક્સ મેળવવા અથવા સ્વીકૃતિ મેળવવા માટે તેઓ આવું વર્તન કરતા હોય છે. આ વર્તન વ્યક્તિને સોશિયલ મીડિયા પ્રતિસાદો પર વધુ નજર રાખવામાં તેમજ સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવાના પ્રયત્નો તરફ દોરી જાય છે.

સેલ્ફી એડિકશન ના લક્ષણો, ચિન્હો

  1. વધતી ફ્રિક્વન્સી:
    સેલ્ફી એડિકશન ધરાવતી વ્યક્તિઓ વારંવાર સેલ્ફી લેવા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે, અને આવી ઈચ્છા પૂર્ણ કરવા તે ગમે તે કરવા તૈયાર હોય છે.
  2. સમય નો વધુ ઉપયોગ:
    આવી વ્યક્તિઓનો મોટાભાગનો સમય સેલ્ફી લેવી તેને એડિટ કરવી અને સારા ફિલ્ટર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં જ પસાર થતો હોય છે.
  3. માન્યતા અને ઝંખના:
    આવી વ્યક્તિઓ લાઇક્સ અને કોમેન્ટ્સ પર ભારે નિર્ભર હોય છે. અને પોતે કરેલી સોશિયલ મીડિયા પરની પોસ્ટ ને કેટલા લાઇક્સ અને કોમેન્ટ્સ મળ્યા છે તે માટે વધુ પડતું ધ્યાન આપે છે.
  4. ચિંતા અને નિરાશા:
    આવી વ્યક્તિઓ મોટેભાગે સેલ્ફી ન લઇ શકવાથી અથવા સારી રીતે સેલ્ફી ના આવવાથી ચિંતા અને નિરાશા નો અનુભવ કરે છે. પોતે કરેલી પોસ્ટ ઉપર પણ વધુ લાઇક્સ કે કૉમેન્ટ્સ ના મળે તો તેઓ ઉચાટ અનુભવે છે.
  5. જવાબદારીઓની અવગણના:
    આવી વ્યક્તિઓ સેલ્ફી લેવાની આદત માટે તેમની રોજિંદી જવાબદારીઓ તેમજ બીજી વ્યક્તિઓ સાથેના સામાજિક જોડાણ (ઈન્ટરેકશન) ની પણ અવગણના કરતા જોવા મળે છે. તેઓ વધુ પડતો સમય સેલ્ફી લેવામાં વ્યતીત કરીને સ્વકેન્દ્રી બની જતા હોય છે.

સેલ્ફી એડિકશન ની માનસિક અને સામાજિક અસર:

  1. નિમ્ન આત્મ- સમ્માન અને શરીરની છબીની સમસ્યાઓ:
    સેલ્ફી એડિકશન વ્યક્તિમાં નીચું આત્મ -સમ્માન અને શરીરની છબીની નકારાત્મકતા જન્માવે છે. સેલ્ફી એડિકશન વ્યક્તિમાં પોતાની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટની લાઈક અને કૉમેન્ટ્સ દ્વારા સતત સ્વીકૃતિ મેળવવાની કોશિશ કરતા હોય છે જેને કારણે તેઓમાં નિમ્ન આત્મ -સમ્માન અને શરીરની છબીની નકારાત્મક અસર જન્મે છે. વ્યક્તિઓ પોતાના દેખાવ ને લઈને વધુ પડતો સભાન બની જાય છે. જેના લીધે તેનામાં ચિંતા અને અસંતુષ્ટિ ના ભાવ જન્મે છે.
  2. નારસીસીઝમ અને આત્મ- કેન્દ્રીતતા:
    વધુ પડતી સેલ્ફી લેવી એ નારસીસીઝમ ટેન્ડન્સી ને બઢાવો આપે છે,જેમાં વ્યક્તિ પોતાના દેખાવ અને સેલ્ફ પ્રેઝન્ટેશન પર ખુબજ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જે વ્યક્તિના અન્ય વ્યક્તિઓ સાથેના વ્યક્તિગત સામાજિક સંબંધોમાં સહાનુભૂતિ અને સમર્પણની ભાવનામાં કમી લાવી શકે છે.
  3. સામાજિક એકલતા:
    સેલ્ફી એડિકશન વાળી વ્યક્તિનો વધુ સમય સેલ્ફી લેવામાં ,એડિટ કરવામાં અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં જ પસાર થતો હોય છે તેથી આવી વ્યક્તિઓનું તેની આજુબાજુના વ્યક્તિઓ સાથે તેમજ સામાજિક ઇન્વોલ્વમેન્ટ ઘણું ઓછું થઇ જાય છે અને પરિણામે તેમની સામાજિક એકલતા વધે છે. અને વ્યક્તિ સામાજિક રીતે વિમુખ બની જાય છે.
  4. માનસિક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ:
    સેલ્ફી એડિકશન ઘણીવાર વ્યક્તિઓમાં માનસિક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ જન્માવે છે, જેવી કે ડિપ્રેશન, ચિંતાઓ, ઓબ્સેસિવ- કમ્પલ્સિવ ડીસઓર્ડર (OCD) તણાવ વગેરે જેવી બીમારીઓ જન્માવે છે. અને એક ચોક્કસ ઓનલાઈન વ્યક્તિઓ ને જાળવી રાખવાનું દબાણ પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
  5. જોખમભર્યું વર્તન:
    સેલ્ફી લેવા માટે યોગ્ય શોટ મેળવવાની કોશિશમાં ઘણીવાર વ્યક્તિ જોખમભર્યું વર્તન પણ કરી બેસે છે. જેમકે કોઈ જોખમભર્યા સ્થાન પરથી સેલ્ફી લેવી, કોઈ ખતરનાક જગ્યા પર જઈને સેલ્ફી લેવી એ વ્યક્તિ ને અકસ્માતો અને ઈજાઓ તરફ દોરી જાય છે.
  6. વિચિત્ર અને ખોટી સ્વ- ધારણા:
    સેલ્ફી એડિકશન વ્યક્તિ પોતાની લીધેલી સેલ્ફી ને ફિલ્ટર અને એડિટિંગ નો ઉપયોગ કરીને પોતાના દેખાવ પ્રત્યે અવાસ્તવિક (અનરિઆલિસ્ટિક) અપેક્ષાઓ ઉભી કરે છે. જે તેમને સતત અસંતુષ્ટિ અને અસંતુલન તરફ દોરી જાય છે અને માનસિક રીતે અસ્વસ્થ બનાવે છે.

સેલ્ફી એડિકશન થી બચવાના ઉપાયો:

  1. સ્વજ્ઞાન:
    વ્યક્તિએ પોતાના આ સેલ્ફી લેવાના વર્તનને સમજવું જરૂરી છે. તેનાથી ઉદ્ભવતી સમસ્યાઓ સમજીને આ આદત વ્યક્તિના પોતાના જીવન પર કેવી રીતે નકારાત્મક અસરો જન્માવે છે તે અંગે જાણવું જરૂરી બની જાય છે.
  2. સ્ક્રીન સમયમર્યાદા:
    સોશિયલ મીડિયા પર અને સેલ્ફી લેવાના સમયને મર્યાદીત કરી શકાય. સ્ક્રીન સમય ટ્રેક કરવા અને તેને મર્યાદીત બનાવવા માટે ઘણીબધી એપ્સ ઉપલબ્ધ છે તે એપ્સ નો ઉપયોગ કરી તેને કંટ્રોલ કરી શકાય છે.
  3. રીઅલ-લાઈફ પ્રવૃતિઓમાં જોડાવો:
    સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવાના બદલે બીજી અન્ય ક્રિયાઓ અને પ્રવૃતિઓમાં ધ્યાન કેન્દ્રિત કરો. હોબીઝ વિકસાવો, રમતગમત અને સામાજિક ઈવેન્ટ્સ માં જોડાઓ, મનગમતી પ્રવૃતિઓમાં રસ દાખવો .
  4. વ્યવસાયિક મદદ લો:
    જો સેલ્ફી એડિકશન એ તમારા જીવન ઉપર ગંભીર સમસ્યા જન્માવતું હોય, તમારા સામાજિક, વ્યક્તિગત, કૌટુંબિક સબંધો ને અસર કરતુ હોય તો માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોની મદદ લેવી જરૂરી બની જાય છે. યોગ્ય સલાહકાર દ્વારા કે થેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી જોઈએ. CBT થેરાપી એ તેના માટે અસરકારક થેરાપી છે.
  5. સકારાત્મક સ્વચર્ચા:
    વ્યક્તિએ પોતાની જાત પ્રત્યે સકારાત્મક સ્વ -ચર્ચા અને સ્વીકાર ની લાગણી દાખવવી જોઈએ. પોતાના બાહ્ય દેખાવ કરતા આંતરિક ગુણો પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરો. આંતરિક ગુણો કે પોતાની અંદર છુપાયેલી કોઈ એબીલીટી નો વિકાસ કરો અને તેના માટે પ્રયત્નશીલ બનો.
  6. ધ્યાન અને ધ્યેય:
    ચિંતા, તણાવ કે સ્વ જ્ઞાન વધારવા માટે માઇન્ડફુલનેસ અને મેડીટેશન પ્રવૃતિઓ કરી શકાય. યોગા પ્રાણાયામ પણ આંશિક રીતે મદદરૂપ થઇ શકે છે.

સેલ્ફી એડિકશન એ એક આધુનિક સમસ્યા છે. સેલ્ફી લેવી એ સ્વાભાવિક રીતે નકારાત્મક નથી, પણ વધતી જતી આદત એ માનસિક અને સામાજિક બાબત પર અસર કરે છે. પરંતુ વ્યક્તિ આવા લક્ષણો ને ઓળખીને સામાજિક અને માનસિક કૌશલ્ય અપનાવીને કે વિકસાવીને સ્વસ્થ સંતુલન જાળવી શકે છે અને વધુ સકારાત્મક સ્વ છબી નો વિકાસ કરી ને સામાજિક માનિસક રીતે સ્વસ્થ જીવન જીવી શકે છે.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS