સુખી લગ્નજીવનના પગથિયાં

સુખી લગ્નજીવનની સફળ ચાવી એ પતિપત્ની ના સુમેળભર્યા સબંધ પર આધારિત છે . આજના આધુનિક અને પ્રગતિશીલ સમાજમાં પતિ -પત્નીના સબંધો ખુબજ સ્વસ્થ થી માંડીને અતિ સંઘર્ષયુક્ત એમ જોવા મળે છે.

આજના આધુનિક સમયમાં લગ્નજીવન માં ઘણા પ્રશ્નો જોવા મળે છે. પાશ્ચાત જગતમાં દોડા-દોડી વાળી જિંદગીની સાથે ઈચ્છાઓ અને અભિલાષાઓ પાર્ટનર તરફ થી વધવા લાગી છે. જેના કારણે આશરે ૪૦ ટકા લગ્નો એ છૂટાછેડામાં પરિણમે છે. હવે આ માંથી આપણો ભારત દેશ પણ બાકાત નથી. ઘણા લોકો છુટા-છેડા લેતા ખચકાતા નથી. આજે અનેક લોકો સુખી લગ્નજીવન ન મળતા ઉદાસીનતા, ચિંતા જેવી માનસિક બીમારીઓનો ભોગ બને છે. ઘણી વખત સમાજ પતિ - પત્ની ના સંબંધોમાં ભંગાણને વ્યક્તિગત પ્રશ્નો તરીકે ઓળખાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પતિ પત્નીના સંઘર્ષો અને છૂટાછેડા માત્ર બે વ્યક્તિ માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે મોટી સમસ્યા છે. જો આપણે સુખી અને સ્વસ્થ સમાજની રચના કરવી હશે તો તેની શરૂઆત સ્વસ્થ લગ્નજીવન થી જ કરવી પડશે.

અહીંયા આપણે લગ્નજીવન ને સુખી બનાવવા માટેની કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ.

સુખી લગ્નજીવન ના પગથિયાં :

1) ઈચ્છાઓને માર્યાદિત કરવી અને વાસ્તવિકતાનો સ્વીકાર કરો

અહીંયા એક વાત સ્પષ્ટ છે કે આપણે સ્વપ્નમાં જોયેલો જીવનસાથી અને તેવું ઘર મળે જ એવું જરૂરી નથી, આપણી કાલ્પનીક ઈચ્છાઓ અને સ્વપ્નોમાંથી વાસ્તવિકતામાં આવવું જોઈએ. પ્રેમ એ જાદુઈ શબ્દ છે. જો પ્રેમ કરતા શીખી જશો તો વ્યક્તિના નકારાત્મક પાસા પણ હકારાત્મક બની જશે. આપણે જયારે કાલ્પનીક ઇચ્છાઓથી દૂર આપણા સાથીમાં રહેલા સારા પાસાઓ વિશે ધ્યાન આપીએ તો ચોક્કસ આપણો પ્રેમ મજબૂત બનશે અને લગ્નજીવન સુખમય રહેશે.

2) લગ્નજીવનમાં ખુલ્લેઆમ વાતચીત કરવી

લગ્નજીવનમાં ખુલ્લે મને વાતચીત કરવી બહુ જરૂરી છે. વાતચીતથી મન હળવું થાય છે, પોતાની ઈચ્છાઓ , લાગણીઓ અને આવેગોને સહજતાથી બહાર કાઢી શકાય છે. કોઈ બાબત અંગેની ખોટી માન્યતાનું સમાધાન થાય છે જેથી સબંધ મજબૂત બને છે.

3) એકબીજા પ્રત્યે રસ જાળવી રાખવો

આજના આધુનિક યુગ માં એકબીજા માટે સમય કાઢવો અઘરો છે, પરંતુ સબંધો સાચવવા અને એકબીજામાં પ્રેમ અને રસ જાળવી રાખવા પાર્ટનરને પૂરતો સમય આપવો જરૂરી બને છે. સાથે મૂવી જોવા જવાનું, રેસ્ટોરન્ટ માં જવું , બહાર ફરવા જવું વગેરે બાબતો કરવાથી એકબીજાને સમય આપી શકાય છે. અને સાથીને લાગે છે કે તેમનું મહત્વ છે, આવું કરવાથી લાગણીઓ પણ સચવાય છે અને સંતોષ ના ભાવ પેદા થાય છે.

4) બાળકોની જવાબદારી મળીને નીભાવવી

બાળક ઉછેરની જવાબદારી માત્ર સ્ત્રીની જ નથી, માતા અને પિતા બંનેના સહીયારા પ્રયત્નથી જ બાળકનો યોગ્ય ઉછેર થઇ શકે છે. બાળકને બંનેના હૂંફ અને પ્રેમની જરૂરિયાત હોય છે, પતિ જો બાળઉછેર માં પત્ની ને મદદ કરે તો, પત્નીમાં પોતાના માટે સમ્માન મેળવી શકે છે. આના કારણે નાના નાના સંઘર્ષો આસાની થી ટળી શકે છે, અને પતિ પત્નીના સબંધો મજબૂત બને છે.

5) અચાનક આવી ગયેલી સમસ્યાઓનો સામનો સાથે મળીને કરવો

આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ઉતાર-ચડાવ આવે એ સામાન્ય બાબત છે. આપણા જીવનમાં આપણે અનેક આર્થિક, સામાજિક અને કૌટુંબીક સમસ્યાઓનો સામનો કરીએ છીએ. આવી સમસ્યાઓ દરમ્યાન જ સંબંધોની સાચી પરીક્ષા થાય છે, આવા સમયે એકબીજા પર દોષારોપણથી બચવું જોઈએ. આવા સમયે જ તમારા સાથીને તમારી સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવું કરવાથી તમે તમારા સાથીનો પ્રેમ જીતી શકો છો, સાથે સાથે તમારું સહકારયુક્ત વર્તન તમારા સાથીમાં તમારા પ્રત્યે સમ્માનની લાગણી જન્માવે છે.

6) ઠંડો મગજ હોય ત્યારે યોગ્ય સમય જોઈને સ્પષ્ટતા કરવી

ઘણી વખત કોઈ બાબતને લઈને આપણો સાથી ખુબજ ગુસ્સે થઇ જાય છે, એવું પણ બને કે તે ખોટી રીતે અને યોગ્ય માહિતીને સમજ્યા વગર જ ગુસ્સે થઇ જાય છે. તો આવા સમયે સામી દલીલ ટાળવી જોઈએ, તેની જગ્યાએ સાથીનો ગુસ્સો શાંત પાડવા પ્રયત્ન કરવો જોઈએ. સ્પષ્ટતા માટે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ જયારે તમારો સાથી ખુશ મીજાજમાં હોય અને વાતચીત કરવા તૈયાર હોય ત્યારે કરેલી સ્પષ્ટતાનો સાથી સહજતાથી સ્વીકાર કરે છે, પોતાની ભૂલ હોય તો તેનો પણ સ્વીકાર કરે છે અને વિવાદો અને દલીલોનો અંત આવે છે.

7) સમાજની વચ્ચે સાથીને મહત્વ આપવું

આપણે સામાજિક પ્રાણી છીએ માટે સમાજની વચ્ચે થયેલા વખાણ અને પ્રશંસાથી આપણને હરખ અને સંતોષનો ભાવ થાય છે. આપણે જયારે આપણા સાથીનું સમાજ વચ્ચે પોતાની જિંદગી માટે મહત્વ બતાવીએ છીએ, ત્યારે ચોક્કસ આપણા સાથીને સંતોષનો અને પોતાનાપણાનો ભાવ પેદા થાય છે અને પ્રેમ મજબૂત બને છે.

8) નકારાત્મક અર્થઘટનથી બચવું

પતિપત્નીના સંબંધમાં કડવાશ માટે નકારાત્મક વિચારોનો બહુ મોટો ફાળો હોય છે, સાથી દ્વારા કરવામાં આવેલા એક ખરાબ વર્તનથી એ બધી જ રીતે ખરાબ જ છે તેવું વિચારી લઈએ છીએ, આવા સામાન્યકરણથી બચવું જોઈએ. સાથીની બીજી સારી બાબતોને નઝરઅંદાજ ન કરવી જોઈએ. જો નકારાત્મક અર્થઘટન ચાલુ રાખીએ તો ગંભીર ઝઘડા ઉભા થાય છે, તેથી સુખી અને સ્વસ્થ લગ્નજીવનને જાળવી રાખવા હોય તો નકારાત્મક અર્થઘટનને ટાળવામાં જ સમજદારી છે.

9) જવાબદારીથી ના ભાગવું

મજબૂત સબંધોનો પાયો એ એકબીજા પ્રત્યેની જવાબદારીનું ભાન હોવું તે છે, જયારે વ્યક્તિ પોતાની જવાબદારીથી ભાગે છે ત્યારે સંઘર્ષ ઉભા થાય છે.

10) શંકાઓથી બચવું અને વિશ્વાસનું સંપાદન કરવું

સાથી પ્રત્યેની શંકા અને કુશંકાઓથી હંમેશા સબંધની વિશ્વસનીયતા ઓછી થાય છે. એકબીજા પ્રત્યે માન - સમ્માન ઘટે છે અને નકારાત્મકતા વધે છે. અવાસ્તવીક શંકાઓ સબંધના ભંગાણનું કારણ બને છે. તેની જગ્યા એ એકબીજા પ્રત્યેનો ઊંડો વિશ્વાસ તમારા સાથીમાં તમારા પ્રત્યેના માનમાં વધારો કરશે. જો મનમાં કોઈ પ્રશ્ન હોય તો સીધું જ સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ જેથી કોઈ પ્રકારના સંઘર્ષ ઉભા ના થાય.

11) સ્વસ્થ શારીરિક સબંધો જાળવી રાખવા

સ્વસ્થ શારીરિક સબંધો એકબીજા પ્રત્યેના આકર્ષણને બનાવી રાખે છે. સેક્સમાં વિવિધતા અપનાવવાથી શારીરિક સબંધો પ્રત્યે રસ જળવાઈ રહે છે. શારીરિક સંબંધોમાં સેક્સ સીવાયની બાબતો પણ મહત્વની છે જેમ કે ચુંબન, પ્રેમાલાપ કરવું, ફોરપ્લે આ બધી બાબતોથી એકબીજા માટે નજદીકી વધે છે. લગ્નજીવન સુખમય બનાવવા માટે શારીરિક સબંધ ખુબ જ મહત્વના છે તેને અવગણવા ન જોઈએ. સાથીની શારીરિક જરૂરિયાતોને યોગ્ય માન આપીએ તો સબંધને વધુ મજબૂત બનાવી શકાય છે.

12) શાબ્દિક પ્રેમાલાપ

એકબીજાને શબ્દોથી પ્રેમ બતાવવો ખુબ જ જરૂરી છે, ઘણા લોકો એમ કહે છે કે "દીલમાં તો પ્રેમ છે, તેને શબ્દોથી બતાવવાની શી જરૂરિયાત?" પણ પ્રેમને શબ્દો દ્વારા વ્યક્ત કરવાથી ચોક્કસપણે તમારા સાથીમાં તમારા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. "હું તને ચાહું છું." "તું મારા માટે સર્વસ્વ છે." વગેરે શબ્દોનો ઉપયોગ કરવાથી લગ્નજીવન સુખમય બને છે.

13) સાથીની લાગણીને માન આપવું

તમારા સાથીને શું ગમે છે? શું નથી ગમતું? વગેરેની જાણકારી રાખવી ખુબજ જરૂરી છે. કોઈ પરિસ્થિતિ માટે સાથી શું વિચારે છે, તેનો પણ અભિપ્રાય લેવો જોઈએ અને તેને માન આપવું જોઈએ. પોતાના વિચારો તેના પર થોપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

ઉપરની બાબતોનો વાસ્તવિક રીતે ઉપયોગ કરવામાં આવે તો લગ્નજીવનમાંથી સંઘર્ષો દૂર કરી શકાય છે. અને તેને તૂટતા બચાવી શકાય છે અને લગ્નજીવન ને સુખમય રીતે પસાર કરી શકાય છે.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS